માર્ગદર્શિકાઓ · દાંતની સંભાળ
દાંતનો દુખાવો: અપોઇન્ટમેન્ટ પહેલાં શું કરવું
દાંતના દુખાવામાં સલામત પહેલાં પગલાં, શું ન કરવું, અને ક્યાં લક્ષણોમાં તે જ દિવસે મદદ લેવી.
દાંતનો દુખાવો એક સંકેત છે, નિદાન નથી. કારણ સડો, તિરાડવાળો દાંત, ઇન્ફેક્શન કે અક્કલ દાઢની આસપાસનું પેઢું હોઈ શકે, અને કયું છે તે તપાસથી જ ખબર પડે. દુખાવો જતો રહે એનો અર્થ હંમેશાં એવો નથી કે તકલીફ પણ જતી રહી.
તપાસ ન થાય ત્યાં સુધી, આ પગલાં મોટા ભાગના લોકો માટે સલામત છે.
સલામત પહેલાં પગલાં
- થોડું મીઠું નાખેલા હૂંફાળા પાણીથી હળવેથી કોગળા કરો.
- એ ભાગ સાફ રાખો. હળવેથી બ્રશ કરો, અને ખોરાક ફસાયો હોય તો ડેન્ટલ ફ્લૉસથી ધ્યાનથી કાઢો.
- એ બાજુ બહુ ગરમ, બહુ ઠંડું અને ગળ્યું ખાવા-પીવાનું ટાળો, અને બીજી બાજુથી ચાવો.
- સોજો હોય તો ગાલની બહાર થોડી થોડી મિનિટ માટે ઠંડો શેક કરવાથી રાહત મળી શકે.
શું ન કરવું
- દવાની ગોળી સીધી દાંત કે પેઢા પર ન મૂકો. તેનાથી પેઢું દાઝી શકે છે.
- તમારા માટે શું સલામત છે તે પૂછ્યા વિના દુખાવાની દવા ન લો. ડૉક્ટર કે ફાર્માસિસ્ટને પૂછો, ખાસ કરીને જો તમે ગર્ભવતી હો, બીજી દવાઓ લેતા હો, કે કોઈ બીમારી હોય.
- દુખાવો ઓછો થયો એટલે વિઝિટ રદ ન કરો. દાંતનું ઇન્ફેક્શન શાંત પડીને ફરી ભડકી શકે છે.
આમાંથી કંઈ હોય તો તે જ દિવસે મદદ લો
- સોજો ચહેરા, આંખ કે ગળા સુધી ફેલાતો હોય
- દાંતના દુખાવા સાથે તાવ હોય
- ગળવામાં, શ્વાસ લેવામાં કે મોં ખોલવામાં તકલીફ હોય
આ ફેલાતા ઇન્ફેક્શનનાં ચિહ્નો હોઈ શકે. તરત અમારો સંપર્ક કરો. અમારો સંપર્ક ન થાય, તો નજીકની હૉસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં જાઓ.
બુકિંગ
બુક કરતી વખતે કયો દાંત અને ક્યારથી દુખે છે તે જણાવો. તેનાથી વિઝિટનું આયોજન કરવામાં મદદ મળે છે. ડેન્ટલ સારવાર અમારાં બંને ક્લિનિક પર થાય છે, સાયણમાં અને છાપરાભાઠા-વરિયાવ રોડ પર. અપોઇન્ટમેન્ટ બુક કરો, અથવા નીચેના બટનથી વૉટ્સએપ પર પૂછો.
આ માર્ગદર્શિકા સામાન્ય માહિતી છે; તે તમારા દંતચિકિત્સક કે ડૉક્ટરની મુલાકાતનો વિકલ્પ નથી. અમારું તબીબી અસ્વીકરણ વાંચો